માતર એ તાલુકા મથક છે. માતર ગામ લગભગ 700 વર્ષ જેટલું પ્રાચિન છે અને આશરે 85 જેટલા ગામડાનું બનેલું છે. જેમાં વિવિધ કોમ અને જાતિના લોકો સંપીને રહે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. ખેતીમાં ડાંગર, ઘંઉ, રાયડો અને વિવિધ પ્રકારના શાકભાજી વાત્રક નદીને કિનારે થાય છે.
બ્રિટીશ શાસન વખતે માતરને સ્વતંત્ર સેનાની અડ્ડો કહેવાતો. મીઠાના સત્યાગ્રહ વખતે 30 માર્ચ, 1930ના દિવસે શરુ થયેલી દાંડીકૂચ માતરના રસ્તે આગળ વધી હતી. તે રીતે માતરનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું છે.
લીંબાસી ગામ આશરે 400 વર્ષ જૂનું છે. જેણે આઝાદીની લડતમાં અગ્રગણ્ય ફાળો આપ્યો હતો. શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ ભારત ભ્રમણ કર્યું ત્યારે ઇ.સ.1918માં લીંબાસી ગામમાં આવ્યા હતા. તે વખતે દુષ્કાળ પડ્યો હતો. લોકોની કપરી પરિસ્થિતિ જોઇ ખેડા સત્યાગ્રહ કર્યો. જેમાં લીંબાસીના ગ્રામજનોએ સક્રિય ભાગ ભજવ્યો હતો.
શ્રી માધવલાલ શાહ જેઓ મૂળ વતની હતા ખંભાતના પણ તેઓનું કાર્યક્ષેત્ર માતર રહ્યું. તેઓ સરકારશ્રીમાં ધારાસભ્ય અને સહકાર મંત્રી હતા. એમના મનમાં થયું કે આ માતર પછાત વિસ્તાર છે. જો પછાત વિસ્તારના બાળકો ભણીગણીને આગળ આવે તો સારુ. તેઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ માતર તાલુકામાં સૌ પ્રથમ હાઇસ્કુલ ઇ.સ. 1946માં લીંબાસી ગામ ખાતે નવચેતન હાઇસ્કુલ નામે શરુ થઇ.નવચેતન વિદ્યાલય, લીંબાસીના કેળવણી મંડળમાં શ્રી માધવલાલ શાહ(મૂળ રહે. ખંભાત)-ચેરમેન, ગોરધનભાઇ શંભુભાઇ પટેલ(મૂળ રહે-નવાગામ)-મંત્રી તરીકે રહ્યા.
નવચેતન વિદ્યાલય જે નિવાસી શાળા હતી. સૌ પ્રથમ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં શરુ કરી અને બાળકોને રહેવા માટે સ્વામિનારાયણ મંદિરમાં છાત્રાલય શરુ કર્યું. ત્યારબાદ હાલમાં જે જગ્યાએ શ્રી માધવલાલ શાહ પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર ચાલે છે તે મકાન નવચેતન વિદ્યાલય માટે બનાવવાનું નક્કી કર્યું. જેનું ખાત મુહુર્ત બૃહદ મુંબઇ રાજ્યના કલેક્ટર એવા શ્રી મોરારજીભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું. શરુઆતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા ન હતા. માટે સંસ્થાએ પોતાના ખર્ચે ગાડીની વ્યવસ્થા કરી અને ગામડે-ગામડે ફરી વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચતા કર્યા. સર્વ પ્રથમ આચાર્યશ્રી દિવાકરભાઇ મોતીભાઇ પટેલ(મૂળ રહે. લીંબાસી) એ ખૂબ ભોગ આપી સંસ્થાને બેઠી રાખી.
ગોવિંદભાઇ પટેલ(મૂળ રહે. ત્રાણજા) જે કેળવણી મંડળ, લીંબાસીમાં ક્લાર્ક તરીકે કાર્યરત હતા. તેઓ આસપાસના ગામોમાં ફરી દાતાઓ પાસેથી દાન મેળવી લાવ્યા. ઉપરાંત તેઓ દક્ષિણ આફ્રિકા પણ ગયા અને ત્યાં વસતા લીંબાસી ગામના વતનીઓ અને ચરોતરવાસીઓ પાસેથી ખૂબ દાન મેળવ્યું અને સંસ્થાને ઊભી કરવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો.
વિદ્યાર્થીઓ ભણતા તો થયા પરંતુ સારા શિક્ષકોની અછત વર્તાતી હતી. આથી સારા પ્રાથમિક શિક્ષકો તૈયાર કરવા માટે ઇ.સ. 1959માં શ્રી માધવલાલ શાહ પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર લીંબાસી ખાતે શરુ કરવામાં આવ્યું. તેમના કાર્યને ધ્યાને રાખી લોકો દ્વારા જ તેમના નામે સંસ્થા શરુ કરીએ તેમ આગ્રહ ભરી વિનંતી કરી જેથી તેમનું નામ સંસ્થાની આગળ લગાવવામાં આવ્યું.
અધ્યાપન મંદિર, લીંબાસીના તાલીમાર્થીઓને ટ્રેનીંગ મળી રહે તે હેતુથી લીંબાસી ગામે અધ્યાપન મંદિરના તાબામાં પ્રાયોગિક પ્રાથમિક શાળા શરુ કરવામાં આવી. અધ્યાપન મંદિરમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ બુનિયાદી તાલીમ અર્થે રેંટિયો કાંતવો, પોતાના વસ્ત્રો જાતે તૈયાર કરવા અને અન્ય બુનિયાદી તાલીમ લેવી જરૂરી હતી જેથી ઉત્તમોત્તમ શિક્ષકો મળી રહે. અને આ માટે સઘન તાલીમ અને શ્રમ પણ કરવો પડતો. આથી તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવતું જેથી તેઓ ટ્રેનિંગ સાથે જોડાઇ રહે.
શ્રી રાવજીભાઇ નાથાભાઇ પટેલ(મૂળ રહે. ભલાડા) કે જેઓ સ્વાતંત્ર સેનાની હતા, તેમના નામથી અધ્યાપન મંદિર લીંબાસી ખાતે છાત્રાલય વ્યવસ્થા ઊભી કરવામાં આવી. છાત્રલયમાં રહેતા તાલીમાર્થીઓને ખરીદ-વેચાણ સમ્બંધી સમજ મળી રહે તે માટે બજારમાંથી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી તાલીમાર્થીઓ પોતે જ કરતા અને ભોજન બિલ પણ તેઓ જ બનાવતા. ઇ.સ. 2008માં છાત્રાલય મરજીયાત કર્યા બાદ સતત તાલીમાર્થીઓની સંખ્યા ઘટતી રહી, આથી ઓછી સંખ્યામાં છાત્રાલય નિભાવવું અઘરું થતાં અત્યાર સુધી ધમધમતાં રહેલા છાત્રાલયને ઇ.સ. 2013થી બંધ કરવું પડ્યું.
ઇ.સ. 1968ની આસપાસ શ્રી રમણભાઇ નરસિંહભાઇ પટેલ, ચેરમેનશ્રી કેળવણી મંડળ, લીંબાસી કે જેઓ તે સમયે તાલુકા પંચાયત, માતરના પ્રમુખ પણ હતા, તેઓએ તાલુકાનો સામાજિક, શૈક્ષણિક વિકાસ કરવામાં ઘણું યોગદાન આપ્યું હતું. તેઓની રાહબરી હેઠળ નવચેતન વિદ્યાલય અને માધવલાલ શાહ અધ્યાપન મંદિર બન્નેના મકાનો અલગ થયા. અને ઇ.સ. 1971માં નવચેતન વિદ્યાલયને તેના અલગ મકાનમાં ખેસડવામાં આવ્યું.
શ્રી માધવલાલ શાહની તબિયત નાદુરસ્ત થતાં ઇ.સ. 1979ની આસપાસ થોડા સમય માટે અધ્યાપન મંદિરમાં તેઓને લાવવામાં આવ્યા હતા. જ્યાં તાલીમાર્થીઓએ તથા કેળવણી મંડળના સદસ્યોએ તેઓની ખૂબ સેવા કરી હતી.
માતર તાલુકામાં એકમાત્ર ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા તરીકે શ્રી માધવલાલ શાહ પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર, લીંબાસી કાર્યરત છે. આસપાસના ગામડામાંથી ભાઇઓ શિક્ષક બનવા માટે પ્રવેશ મેળવતા રહ્યા, પરંતુ દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસ એક પ્રશ્ન જ રહ્યો. ઘણાંબધા વાલિઓ, સામાજિક કાર્યકરો, કેળવણી ઇચ્છતાં શિક્ષકો અને આગેવાનોના સૂચનોથી ઇ.સ. 2016માં સંસ્થાને ભાઇઓ અને બહેનો બન્ને પ્રવેશ મળે તે માટે મિશ્ર બનાવવામાં આવી. અત્યાર સુધીમાં આશરે 3059 તાલીમાર્થીઓ અત્રેની સંસ્થામાંથી તાલીમ લઇ ગયા છે.
શ્રી માધવલાલ શાહ પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર ખાતે સૌથી લાંબો સમય સુધી વાસુદેવભાઇ ઠક્કરે આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો અને અનુભવી અધ્યાપકોની ટીમ, દ્વારા અધ્યાપન મંદિરની શાખ ચારે બાજુ વિસ્તારી. અધ્યાપન મંદિરના રીટાયર થયેલ કર્મચારીઓ આજદિન સંસ્થાને નિષ્ઠાપૂર્વક વરેલા છે અને જ્યારે પણ સંસ્થાને મદદની જરૂરીયાત હોય ત્યારે સંસ્થા માટે અડિખમ ઊભા છે.
શ્રી માધવલાલ શાહની તબિયત નાદુરસ્ત થતાં ઇ.સ. 1979ની આસપાસ થોડા સમય માટે અધ્યાપન મંદિરમાં તેઓને લાવવામાં આવ્યા હતા. જ્યાં તાલીમાર્થીઓએ તથા કેળવણી મંડળના સદસ્યોએ તેઓની ખૂબ સેવા કરી હતી.
સાચે જ કોઇપણ સંસ્થાને ઊભી કરવી, ચલાવવી, ચાલતી રાખવી અને અનંત વાટ સુધી તેની સુગંધ પ્રસરાવવી એ અનેક નાની સૂની વાત નથી. આજે સંસ્થાને તેના ઘડવૈયાથી માંડી તેના સૌથી નીચલા અને રીટાયર થયેલા તમામ કર્મચારી માટે અત્યંત ગર્વની લાગણી છે.